દેશની સૌથી મોટી ડુંગળીની મંડી લાસણગાંવમાં ડુંગળીના ભાવમાં ફરીથી તેજી જોવા મળી છે. જૂનો સ્ટોક પૂરો થવાથી અને આ વર્ષે હાલની ખરીફ સીઝનમાં ઉત્પાદન 25 થી 30 ટકા ઘટવાનો અંદાજ હોવાથી ડુંગળીનો પુરવઠો ઘટ્યો છે. મહારાષ્ટ્રના લાસણગાંવમાં ઑગસ્ટમાં ડુંગળીના ભાવ કિલોગ્રામ દીઠ રૂ.57 રેકોર્ડ સપાટીએ પહોંચી ગયા હતા. પરંતુ કેન્દ્ર દ્વારા કેટલાંય ઉપાય થતા ભાવમાં નરમાઈ જોવા મળી હતી. જો કે છેલ્લાં એક સપ્તાહમાં ભાવ ફરીથી વધવા લાગ્યા છે અને તે કિલોગ્રામ દીઠ રૂ.30 ઉપર પહોંચી ગયા.
નેશનલ હોર્ટિકલ્ચરલ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ફાઉન્ડેશન (એનએચઆરડીએફ)ના આંકડા પ્રમાણે હાલમાં લાસણગાંવમાં ડુંગળી કિલોગ્રામ દીઠ રૂ.32 છે. ડુંગળીની પાછળ બટાકાના ભાવ પણ વધવા લાગ્યા છે. દેશમાં કઠોળના વધતા ભાવ અને તહેવારની સીઝન અને લગ્નગાળાની સીઝનમાં માંગ વધવાના લીધે બટાકાના ભાવમાં પણ 10 થી 15 ટકાનો વધારો થતો જોવા મળી રહ્યો છે.
દેશની મુખ્ય બટાકાની મંડી આગ્રામાં બટાકાના ભાવ ક્વિન્ટલ દીઠ રૂ.25 વધીને રૂ.550-670 પર વેપાર થઈ રહ્યો છે. બટાકાના ભાવમાં વધતા ભાવ કઠોળના ઉંચા ભાવ અને આ વર્ષે પશ્ચિમ બંગાળમાં ઉત્પાદનમાં અછતના લીધે પણ ભાવમાં તેજીની શકયતા છે. જો કે ઑલ ઇન્ડિયા કોલ્ડ સ્ટોરેજ એસોસીએશનના પ્રમુખ મહેન્દ્ર સ્વરૂપે કહ્યું કે કોલ્ડ સ્ટોરમાં હજુ પણ બટાકાનો સ્ટોક 50-55 ટકા છે અને આવતા મહિનાના અંતમાં નવો પાક આવતા ભાવ કાબૂમાં આવવાની શકયતા છે.
એનએચઆરડીએફના ડાયરેકટર આર.પી.ગુપ્તાએ કહ્યું કે કર્ણાટક, આંધ્રપ્રદેશ, ગુજરાત, અને રાજસ્થાનથી નવી ડુંગળીની આવક વધતા ડુંગળીના ભાવમાં વધુ તેજી રહેશે નહીં.
No comments:
Post a Comment