ગુજરાતના કૃષિ મંત્રી બાબુભાઈ બોખરિયાએ જણાવ્યું હતું કે ટ્રેકટર સહિતના ખેતી માટેના સાધનોની અરજીઓ તમામ પ્રક્રિયા સાથે સાત જ દિવસમાં મંજૂર કરી દેવાનો નિર્ણય કર્યો છે. તેમાં કોઇ મુશ્કેલી હોય તો ખેડૂત પાસેથી વધુ વિગતો માંગી લેવાની વ્યવસ્થા સાથે એક જ મહિનામાં સમગ્ર પ્રક્રિયા પૂરી થઈ જાય તેવું આયોજન કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે અમદાવાદ જિલ્લા સહકારી બેન્કે કરેલી રજૂઆતો અને ખેડૂતોની વર્ષોથી આવી રહેલી ફરિયાદોને ધ્યાનમાં લઈને ટ્રેકટર પર સબસિડી આપવાની ફાઈલ એક મહિનામાં ક્લિયર કરવાનો નિર્ણય લેવાયો છે.
કૃષિ મંત્રીએ એક અગ્રણી અખબારને જણાવ્યું હતું કે 2015ની સાલમાં ટ્રેકટર ઉપરાંત થ્રેસર, હળ, લણણીના મશીનો સહિત જુદા-જુદા 144 પ્રકારના સાધનો માટે ત્રણ લાખથી વધુ અરજીઓ આવી છે. આ તમામ અરજીઓ એક જ મહિનામાં મંજૂર કરી દેવાનો નિર્ણય લેવાયો છે. તેમનું કહેવું છે કે ખેડૂતોને નવી વ્યવસ્થા હેઠળ અગાઉની માફક લાંબા સમય સુધી સબસિડીની અરજી મંજૂર કરાવવા માટે રાહ જોવી પડશે નહીં.
સબસિડી માટે ખેડૂતોએ આઇ-ખેડૂત પોર્ટલ પર જ અરજી કરવાની રહે છે. હવે ખેડૂતોએ ઓનલાઈન અરજી મંજૂર થયા પછીના 30 દિવસમાં જ ટ્રેકટરની ખરીદી કરી લેવાનો નિર્ણય લેવાયો છે.
ખેડૂત મિત્રોને ખાસ જણાવાનું કે ટ્રેકટરની ખરીદી માટે ચાલીસ હજાર થી સાંઠ હજાર રૂપિયા સુધીની સબસિડી મળે છે. તદઉપરાંત ખર્ચના પંચોતેર ટકા લોન પણ મળે છે.
આખા ગુજરાતમાંથી ટ્રેકટર માટે અંદાજે 35,000 થી 37,000 અરજીઓ આવે છે. તેમાંથી અમદાવાદ જિલ્લા સહકારી બેન્ક તરફથી 1250ની આસપાસ અરજીઓ મૂકવામાં આવે છે. આ વર્ષે અમદાવાદ જિલ્લા સહકારી બેન્કની 378 અરજીઓ મંજૂર થઈ છે. સમગ્ર ગુજરાત માટે ગ્રાન્ટ ઓછી હોવાથી માંડ પંદર થી વીસ ટકા અરજીઓ જ મંજૂર થાય છે.
ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન, જિલ્લા પંચાયતના અધિકારીઓ આ અરજીઓને મંજૂર કરે છે. સબસિડીની મંજૂરી આવી જાય પછી જ ટ્રેકટરની ખરીદી કરવાની હોય છે. દર વર્ષે માર્ચ મહિના સુધીમાં અરજી કરી દેવાની વ્યવસ્થા છે.
No comments:
Post a Comment