ખુશ ખબર.... ખુશ ખબર....ખુશ ખબર..‌ હવે કરો ઓનલાઈન ખરીદી કિશાન ઓનલાઈન સ્ટોર પરથી અહિ ક્લિક કરો અને ખરીદી કરો ઓનલાઇન કૃષિને લગતી તમામ ખરીદી અહિથી જ કરો આજે જ મુલાકાત લો

Tuesday, 8 October 2019

ઘઉં- વાવણીથી કાપણી સુધીની માહિતી

જમીનની તૈયારી

ચોમાસુ પાક પૂરો થયે જમીનને સખત થતી અટકાવવા હળથી ખેડ કરી, આગલા પાકના જડિયા-મૂળિયાં વીણી ખેતર સાફ કરવું. આમ કરવાથી ઊધઈનો ઉપદ્રવ પણ ઘટશે. ત્યારબાદ રાંપ મારી જમીન સમતલ કરવી. ખેડમાં વિલંબ કરવો નહીં તેમજ જમીનને ટ્રેક્ટર વડે વારંવાર ખેડવી નહીં, આમ કરવાથી જમીનનું નીચલું પડ સખત થશે જેનાથી નિતારશક્તિ અને મૂળનો વિકાસ અટકશે. જમીનની તૈયારીમાં લગભગ 1500 Rs / એકર સુધી બચાવવા માટે શૂન્ય-ટીલેજ વિધિ અપનાવવી, જેમાં બીજ-કમ-ફર્ટિ ડ્રિલ મશીનથી કાળી કે ભારે કાળી જમીનમાં પૂરતા ભેજે સીધી વાવણી કરવી.

જાતો

બિનપિયત ઘઉંની વાવણી માટે અરનેજ-206, GW-1, GW-2 વગેરે જાતો પસંદ કરવી, સમયસર વાવણી એટલે કે 15 થી 25 નવેમ્બર દરમિયાન વાવણીમાં સારા ઉત્પાદન માટે GW-496, GW-273, GW-322, GW-366, GW-190 અને GW-1139 જાતો પસંદ કરવી. મોડી વાવણી એટલે કે 10 ડિસેમ્બર સુધી વાવણી માટે GW-173 અથવા લોક-1 જાત પસંદ કરવી.

બીજ માવજત

પાકને જમીનજન્ય અને બીજજન્ય રોગોથી બચાવવા એક કિલો બીજ દીઠ 2 ગ્રામ થાઈરમ અથવા કેપ્ટાન દવાનો પટ આપીને વાવેતર કરવું. ખાતરના કાર્યક્ષમ ઉપયોગ માટે બીજને ઍઝોટોબેક્ટર @ 30 gm + PSB @ 30 gm / kg બીજ પ્રમાણે પટ આપી વાવવા. તેનાથી 25% નાઈટ્રોજન + 50% ફૉસ્ફરસ બચી શકે.

વાવણી કઈ રીતે કરવી

સમયસર એટલે કે 15 થી 25 નવેમ્બર દરમિયાન વાવણી કરવી હોય તો સારા વિકાસ માટે વાવણી 22.5 સેમીના અંતરે 5 થી 6 સેમી ની ઊંડાઇએ કરવી. મોડી એટલે કે 25 નવેમ્બર થી 10 ડિસેમ્બર સુધી વાવણી કરવી હોય તો બે હાર વચ્ચે 18 સેમી અંતર રાખવું. સારા ઉગાવા માટે કોરામાં વાવણી કરી પિયત આપવું. સમયસર વાવણી માટે 50 કિલો / એકર વાપરવુ. ડ્યુરમ જાતો અને મોડી વાવણી માં 60 કિલો / એકર મુજબ બીજ વાપરવું. બિનપિયત વાવણી માટે 20-24 કિલો / એકર મુજબ બીજ વાપરવુ.

નીંદણ નિયંત્રણ

નીંદણથી 60% સુધી નુકસાન થઈ શકે. નીંદણ નિયંત્રણ માટે વાવણી પછી તરત પાક ઉગ્યા પહેલા પેન્ડીમિથેલીન30EC ( સ્ટોમ્પ, ટાટાપેનીડા ) @1.3 Ltr / એકર / 200 Ltr પાણીમાં નાખી છાંટો. ઊભા પાકમાં નીંદણ નિયંત્રણ માટે વાવણીના 35 દિવસના અંદર 8 gm મેટસલ્ફુરોનમિથાઇલ20WP (અલગૃપ, મેટસી) / એકર / 200 Ltr પાણી મુજબ છાંટો.

આંતરખેડ

સારા વિકાસ માટે પહેલી આંતરખેડ વાવણીના 23-30 દિવસે અને બીજી આંતરખેડ વાવણીના 45-50 દિવસે કરવી.

ખાતર વ્યવસ્થા

છાણિયું ખાતર
જમીન ની ફળદ્રુપતા જાળવવા દર 1 વર્ષના અંતરે છાણિયું ખાતર 4 ટન / એકર મુજબ આપો.
રાસાયણિક ખાતર
બિનપિયત ઘઉમાં 10 કિલો નાઇટ્રોજન ( 27 કિલો યુરિયા ) અને 5 કિલો ફૉસ્ફરસ ( 31 કિલો SSP ) / એકર મુજબ વાવણી સમયે ચાસમાં આપવું. સમયસર એટલે કે 15 થી 25 નવેમ્બર સુધી વાવણી કરેલ પાકમાં 24 kg નાઇટ્રોજન ( 53 kg યુરિયા ) અને 24 kg ફૉસ્ફરસ (68 kg SSP ) / એકર મુજબ વાવણી સમયે ચાસ માં આપવું. આ ઉપરાંત વાવણીના 21 દિવસે મુકુટ મૂળ અવસ્થાએ 24 kg નાઇટ્રોજન ( 53 kg યુરિયા ) / એકર મુજબ ભારે જમીન માં પિયત પહેલા ને હલ્કી જમીનમાં પિયત પછી આપવું. મોડી એટલે કે 25 નવેમ્બર થી 10 ડિસેમ્બર સુધી વાવણી કરેલ પાકમાં 16 કિલો ફૉસ્ફરસ ( 100 કિલો SSP ) / એકર મુજબ વાવણી સમયે ચાસમાં આપવું. આ ઉપરાંત 16 કિલો નાઇટ્રોજન (35 કિલો યુરિયા) વાવણી 21 દિવસે અને 35 દિવસે આપવું. જો ઝીંકની ઉણપ હોય તો 3 kg ઝીંક સલ્ફેટ / એકર મુજબ આપવું.
પાણીમાં દ્રાવ્ય ખાતરોનો છંટકાવ સમયપત્રક
ઉત્પાદન વધારવા રોપણીના 30-35 દિવસે 12:61:00 ( MAP ) @ 150 gm + હ્યુમિક એસિડ12% @ 60 ml + સ્ટિકર @ 7.5 ml / 15 Ltr પાણી મુજબ છાંટો. આ ઉપરાંત વાવણીના 35-55 દિવસ દરમિયાન ગમે ત્યારે એસ્કોરબીક એસિડ (વિટામિન C) @ 500 mg 6 ગોળી + ગોળ નું દ્રાવણ @ 100 gm 15 Ltr પાણી મુજબ છાંટો.

વૃદ્ધિકારક નો છંટકાવ

સારા વિકાસ અને ઉપજ માટે 8 kg બાયોવિટા કે 10 kg ટ્રાઇકંટેનોલ (વિપુલ) + 5 kg મોનોજિંક 33% / એકર પ્રમાણે વાવણીના 30-35 દિવસ પછી આપો.

પિયત

સિંચાઇ સમય
ઉત્તર અને મધ્ય ગુજરાતમાં 6 સેમી ઊંડાઈ ના 8 પિયત આપવા. પ્રથમ પિયત ઓરવાણનું અને બાકીના 7 પિયત 21, 35, 45, 56, 67, 78 અને 91 દિવસે આપવા.

સૌરાષ્ટ્ર ની મધ્યમ કાળી જમીનમાં ઘઉં ના પાકને 5 સેમી ઊંડાઈના 10 પિયત આપવા. કોરામાં વાવેતર કરી પ્રથમ પિયત આપવું, ઉગાવા માટે બીજું પિયત આપવું. ત્યારબાદ 8 પિયત 8 થી 10 દિવસના અંતરે આપવા.

કચ્છ ની હલ્કી જમીન માં 5 સેમી ઊંડાઈ ના કુલ 14 પિયત અઠવાડીયા ના ગાળે આપવા.

દક્ષિણ ગુજરાતની ભારે કાળી જમીનમાં ઘઉના પાકની 6 સેમી ઊંડાઈના કુલ 7 પિયત આપવા. પ્રથમ પિયત વાવણી બાદ તરત જ આપવું અને બાકીના 5 પિયત 12 થી 18 દિવસના અંતરે આપવા.

કટોકટીની અવસ્થા

ઘઉંના પાકને કટોકટીની અવસ્થા 6 અવસ્થા જેમ કે મુકુટ મૂળ અવસ્થા ( 18 થી 21 દિવસ ), ફૂટ અવસ્થા ( 38 થી 40 દિવસ), ગાભે આવવાની અવસ્થા ( 50 થી 55 દિવસ), ફૂલ અવસ્થા (60 થી 65 દિવસ), દુધિયા દાણા અવસ્થા (75 થી 80 દિવસ) અને પોક અવસ્થા (90 થી 95 દિવસ) માં અચૂક પાણી આપવું. જો એક પિયત આપી શકાય એમ હોય તો મુકુટ મૂળ અવસ્થાએ પિયત આપવું. જો બે પિયત આપી શકાય એમ હોય તો મુકુટ મૂળ અવસ્થા અને ફૂલ અવસ્થાએ પિયત આપવું. જો 3 પિયત આપી શકાય એમ હોય તો મુકુટ મૂળ અવસ્થા, ફૂલ અવસ્થા અને પોક અવસ્થાએ પિયત આપવું.

જીવાત નિયંત્રણ

ઊધઈ
ઊધઈ નો ઉપદ્રવ રેતાળ જમીન માં વધુ જોવા મળે છે. તે મૂળ અને જમીન નજીક થડને ખાય છે જેથી છોડ પીળા પડી સુકાય છે. ઊધઈનો ઉપદ્રવ ઘટાડવા, પાછલા પાકના જડિયા મૂળિયાં વીણી 4 થી 5 ટન / એકર મુજબ સારૂ કહોવાયેલું છાણિયું ખાતર આપવું. દિવેલીનો કે લીમડાનો ખોળ પણ અસરકારક છે. પાણીની અછત આ જીવાતને માટે અનુકૂળ છે. શરૂવાતની અવસ્થાએ નિયંત્રણ માટે 100 કિલો બીજને ફિપ્રોનિલ5SC ( રિજંટ, સલ્વો ) @ 600 મિલી / 5 લિટર પાણી ના દ્રાવણ વડે ભોયતળિયા પર પાથરી મોઈ નાખવા. ઊભા પાકમાં ઉપદ્રવ જણાય તો ક્લોરપાયરીફોસ20EC ( ટ્રેકડેન, ફોર્સ, ટાફાબાન ) 2 લિટર અથવા 500 મિલી ફીપ્રોનીલ 5%SC ( રેજંટ, સલ્વો ) પિયતના પાણી સાથે 1 એકરમાં આપવી.
લીલી ઇયળ
આ ઇયળ પંચરંગીયા ઇયળ તરીકે પણ ઓળખાય છે. લીલી ઇયળ નો ઉપદ્રવ જાન્યુઆરી ના છેલ્લા અઠવાડીયાથી માર્ચના પ્રથમ અઠવાડીયા સુધી વધુ દેખાય છે. તે દુધિયા દાણા ખાઈને નુકસાન કરે છે. દવાનો ખર્ચ ઘટાડવા પક્ષીઓ માટે 8-10 T આકારની રચના ગોઠવવાથી લીલી ઇયળનું કુદરતી રીતે નિયંત્રણ કરી શકાય છે. ઉંબીઓ આવવાની શરૂવાત થતાં જ ઝીણાવટભર્યું અવલોકન કરતાં રહેવું. જો ઝીણી ઇયળ દેખાય તો ઍઝાડીરેક્ટીન 5EC 10 મિલિ અથવા લીંબોળીના તેલ 30 મિલિ / 10 લિટર પાણી અથવા ક્વીનાલફોસ 25 EC 20 મિલિ / 10 લીટર પાણી પ્રમાણે છાંટો. જો ઉપદ્રવ વધુ હોય તો સ્પીનોસેડ45SC ( સ્પીન્ટોર, ટ્રેસર ) @ 7.5 ml / 15 Ltr પાણી અથવા ફિપ્રોનિલ5SC ( યુનિપ્રો, રેબીડ, ફેક્સ )@ 30 ml / 15 Ltr પાણી અથવા થાયોડીકાર્બ75WP ( લાર્વીન,ચેક ) @ 40 gm / 15 Ltr પાણી મુજબ છાંટો.
ખપેડી
આ જીવાત ભાલના બિનપિયત વિસ્તારમાં વધુ દેખાય છે. તે પહેલા શેઢાપાળા પર નીંદણને અને પછી ઘઉંના કુમળા છોડને ખાય છે. આગોતરા નિયંત્રણ માટે ફેનવેલરેટ 20%EC (ટાટાફેન, ફેંક્રો) @7.5 મિલી / 15 લિટર પાણી અથવા ક્લોરપાયરીફોસ20EC ( ટ્રેકડેન, ફોર્સ, ટાફાબાન ) @ 30 મિલી / 15 લિટર પાણી મુજબ શેઢાપાળા પર છાંટો. જો ઉપદ્રવ વધુ હોય તો સ્પીનોસેડ45SC ( સ્પીન્ટોર, ટ્રેસર) @ 7.5 ml / 15 Ltr પાણી અથવા ફિપ્રોનિલ5SC ( યુનિપ્રો, રેબીડ, ફેક્સ )@ 30 ml / 15 Ltr પાણી અથવા થાયોડીકાર્બ75WP ( લાર્વીન,ચેક ) @ 40 gm / 15 Ltr પાણી મુજબ છાંટો.
ગાભમારાની ઇયળ
ગાભમારાની ઇયળ થડની અંદરનો ગાભ ખાઈને નુકસાન કરે છે. જો ઉપદ્રવ ઓછો હોય તો નુકસાનવાળા છોડ ઉખાડી નાશ કરવો. જો ઉપદ્રવ વધુ હોય તો સ્પીનોસેડ45SC ( સ્પીન્ટોર, ટ્રેસર) @ 7.5 ml / 15 Ltr પાણી અથવા ફિપ્રોનિલ5SC ( યુનિપ્રો, રેબીડ, ફેક્સ ) @ 30 ml / 15 Ltr પાણી અથવા થાયોડીકાર્બ75WP ( લાર્વીન,ચેક ) @ 40 gm / 15 Ltr પાણી મુજબ છાંટો.
મોલો-મશી
આ જીવાત પાન, થડ અને દાણામાથી રસ ચૂસી પ્રકાશસંષલેષણની ક્રિયાનો દર ઘટાડે છે. જો પરભક્ષી દાળીયા, લીલી પોપટી અને સીરફીડ ફ્લાઈ મોટી સંખ્યામાં હોય તો દવાનો છંટકાવ કરવો નહીં. જો જરૂર જણાય તો ઈમીડાક્લોપ્રિડ ( કાન્ફીડોર, ટાટામીડા ) @ 3 ml / 10 Ltr પાણી કે થાયોમેથોક્ઝામ ( એક્તારા / અનંત ) @ 4 gm / 10 Ltr પાણી અથવા એસિફેટ50% + ઇમિડાક્લોપ્રીડે1.8SC ( લાન્સરગોલ્ડ ) @ 50 gm / 15 Ltr પાણી મુજબ છાંટો.

રોગ નિયંત્રણ

પાનનો ગેરૂ

આ રોગ પવન દ્વારા ફેલાય છે. આ રોગમાં પાન પર ગેરૂ રંગના ટપકા પડે છે. ગરમ અને ભેજવાળું હવામાન આ રોગને વધુ માફક આવે છે. વધુ ઉપદ્રવથી ડાળિયો સુકાય છે. નિયંત્રણ માટે રોગ ની શરૂવાત થતાં જ મેંકોજેબ @ 25 ગ્રામ / 10 લિટર પાણી મુજબ 15 દિવસ ના અંતરે 3 વાર છાંટો. અસરકારક નિયંત્રણ માટે બાઇટરલેટોન25WP ( બાયકોર) @ 30 ગ્રામ / 15 લિટર પાણી અથવા ક્લોરોથેલોનીલ (કવચ, ડેકોનીલ) @ 30 ml / 15 Ltr પાણી અથવા ટેબૂકોનાઝોલ250EC ( ફોલિકુર, ટોર્ક ) @ 15 ml / 15 Ltr પાણી અથવા કાર્બેંડાઝીમ12% + મેંકોઝેબ63WP ( સાફ, કોમ્બીપ્લસ, ડેલમિક્સ ) @ 30 gm / 15 Ltr પાણી મુજબ છાંટો.
થડનો ગેરૂ
આ રોગ માર્ચ મહિના મહિના દરમિયાન તાપમાન વધતાં જોવા મળે છે. આ રોગમાં થડ પર ગેરૂ રંગના ટપકા પડે છે. નિયંત્રણ માટે રોગ ની શરૂવાત થતાં જ મેંકોજેબ @ 25 ગ્રામ / 10 લિટર પાણી મુજબ 15 દિવસ ના અંતરે 3 વાર છાંટો. અસરકારક નિયંત્રણ માટે બાઇટરલેટોન25WP ( બાયકોર ) @ 30 ગ્રામ / 15 લિટર પાણી અથવા ક્લોરોથેલોનીલ (કવચ, ડેકોનીલ) @ 30 ml / 15 Ltr પાણી અથવા ટેબૂકોનાઝોલ250EC ( ફોલિકુર, ટોર્ક ) @ 15 ml / 15 Ltr પાણી અથવા કાર્બેંડાઝીમ12% + મેંકોઝેબ63WP ( સાફ, કોમ્બીપ્લસ, ડેલમિક્સ ) @ 30 gm / 15 Ltr પાણી મુજબ છાંટો.
પાનનો સુકારો
આ રોગની શરૂવાત નીચેના પાન પર થાય છે. પાન પર તપખીરિયા ટપકા પડે છે. ઉપદ્રવ વધતાં પાન સુકાય છે. ગરમ અને ભેજવાળું હવામાન આ રોગ ને અનુકૂળ છે. મોડી વાવણી માં આ રોગ વધુ જોવા મળે છે. નિયંત્રણ માટે રોગ ની શરૂવાત થતાં જ મેંકોજેબ @ 25 ગ્રામ / 10 લિટર પાણી મુજબ 15 દિવસ ના અંતરે 3 વાર છાંટો. અસરકારક નિયંત્રણ માટે બાઇટરલેટોન25WP ( બાયકોર ) @ 30 ગ્રામ / 15 લિટર પાણી અથવા ક્લોરોથેલોનીલ ( કવચ, ડેકોનીલ ) @ 30 ml / 15 Ltr પાણી અથવા ટેબૂકોનાઝોલ250EC ( ફોલિકુર, ટોર્ક ) @ 15 ml / 15 Ltr પાણી અથવા કાર્બેંડાઝીમ12% + મેંકોઝેબ63WP ( સાફ, કોમ્બીપ્લસ, ડેલમિક્સ ) @ 30 gm / 15 Ltr પાણી મુજબ છાંટો.
કાળા ડાઘ
આ રોગમાં, દાણા પર કાળા ટપકા પડે છે જેનાથી બજારભાવ ઓછા મળે છે. ઝાકળ અને વધુ ભેજ આ રોગ માટે અનુકૂળ છે. આ રોગનો ઉપદ્રવ ઓછો કરવા પાછલી અવસ્થાએ હલ્કું પિયત આપવું.
કર્નલ બંટ
આ રોગ ગુજરાતમાં જોવા મળતો નથી પરંતુ તેને ઓળખી ને તેનો પ્રવેશ નિષેધ કરવો જરૂરી છે. આ માટે કાળા ડાઘ પડેલા દાણા વાવણી માટે ઉપયોગમાં લેવા નહીં.
અનાવૃત અંગારિયો
આ રોગમાં ઉંબી ની અંદર દાણાની જગ્યાએ કાળા રંગની ભૂકી ઉત્પન્ન થતી હોય છે. જેથી ઉંબીમાં દાણા બેસતા નથી. આગોતરા નિયંત્રણ માટે બીજને એક કિલો બીજ દીઠ 2 ગ્રામ થાઈરમ અથવા કેપ્ટાન દવાનો પટ આપીને વાવેતર કરવું.

કાપણી અવસ્થા અને ટેક્નિક

પાક 110-115 દિવસ મા પાકી જાય છે.જ્યારે  છોડ બદામી કલરના થઈ જાય ત્યારે કાપણી જમીન થી 2-3 ઈંચ ઉપરથી  કરવી. દાણા ખરવાનું નુકસાન ઘટાડવા જ્યારે ઘઉં પીળા પડી જાય અને થડ સુકાઈ જાય ત્યારે વહેલી સવારે કે મોડી સાંજે કાપણી કરવી. સુરક્ષિત સંગ્રહ માટે થ્રેશરથી લણણી કર્યા બાદ,વિણાટ કરી,દાણામા ભેજનુ પ્રમાણ 10% થી ઑછુ થાય તે માટે તડકામા 2-3 દિવસ સુધી સુકવવા. ગુણવત્તા જાળવવા જુદી જુદી જાતોના ઘઉંને અલગ અલગ રાખવા જેથી તે મિશ્ર ના થઈ જાય.ઘઉંને સીધા સૂર્ય પ્રકાશથી તથા વધારે સુકાવાથી બચાવવા. કાપણી પરિપક્વ અવસ્થા ના પહેલા કરવાથી ઓછું ઉત્પાદન થાય છે વધારે અપરિપક્વ, તૂટેલા અને ઓછી ગુણવત્તાવાળા દાણા મળે છે અને સંગ્રહ દરમ્યાન રોગ થવાની શક્યતા વધે છે.
ગ્રેડિંગ
ગ્રેડિંગના ફાયદા:
1) સંગ્રહ અને પરિવહન માં ઓછો ખર્ચ.
2) યોગ્ય બજાર અને યોગ્ય કિમત ની પ્રાપ્તિ
3) વાયદા બજાર તથા લોન લેવામાં સરળતા
4) માલ વેચવા માટે મોટું બજાર.
માલ ફેરવતી વખતે થતું નુકસાન ઓછું કરવા થ્રેશિંગ અને ઊપણવાની ક્રિયા ખેતરમાં કરવી.દાણા એકદમ સારી ચોખ્ખી ગની બેગમાં પેક કરવા.

No comments:

Post a Comment