ગયા વર્ષે દેશમાં પ્રતિકૂળ વાતાવરણના લીધે કઠોળના ઉત્પાદનમાં 20 લાખ ટનનો ઘટાડો આવતા કઠોળના ભાવ રેકોર્ડ પ્રતિ કિલોગ્રામ રૂ.200 સુધી પહોંચ્યા બાદ આવતા વર્ષે પણ ઉત્પાદનમાં ઘટાડાના લીધે કઠોળના ભાવમાં તેજીની શકયતા છે. કેન્દ્ર સરકારે કઠોળનો પુરવઠો વધારવા માટે આયાત કરવા સિવાય સ્ટોક હોલ્ડિંગ લિમિટ સહિત બફર સ્ટોક સહિતના પગલાં ઉઠાવ્યા છે.
ઉલ્લેખનીય છે કે ખરીફ કઠોળ પાકની કાપણીનું કાપ મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં શરૂ થઈ ચૂકયું છે. કઠોળનું મોટાભાગનું વાવેતર આ રાજ્યોમાં થાય છે. જથ્થાબંધ બજારમાં એક કિલોગ્રામ તુવેરના ભાવ રૂ.90-105 છે, જે ગયા વર્ષે આ સમયે રૂ.45-55 હતા.
જો કે મધ્યપ્રદેશના કઠોળના વેપારીઓના મતે આ વર્ષે ચણાના પાકની સ્થિતિ વધુ ગરમીના લીધે ખરાબ છે. મધ્યપ્રદેશ ટ્રેડર્સ એસોસીએશનના અધ્યક્ષ ગોપાલદાસ અગ્રવાલે કહ્યું કે હવામાન અનુકૂળ ન હોવાથી મધ્યપ્રદેશમાં ચણાનું વાવેતર ગયા વર્ષના 27.5 લાખ હેકટરથી ઘટીને 26.6 લાખ હેકટર રહ્યું છે. ગરમ વાતાવરણ અને ભેજનું પ્રમાણ ઓછું રહેતા આ વર્ષે ચણાના ઉત્પાદનમાં 15 ટકાનો ઘટાડો આવી શકે છે. ત્યારે ચણાના બીજા સૌથી મોટા ઉત્પાદક રાજ્ય રાજસ્થાનમાં પણ ચણાના પાક પર સરેરાશ કરતાં વધુ તાપમાનની અસર જોવા મળી રહી છે. રાજસ્થાનમાં આ વર્ષે વાવેતર વિસ્તાર 13 ટકા જેટલો ઘટ્યો છે.
ઇન્ડિયન પલ્સીસ એન્ડ ગ્રેઈન્સ એસોસીએશન (આઈપીજીએ)ના ઉપાધ્યક્ષ વિમલ કોઠારીએ કહ્યું કે ચણા અને અન્ય રવી કઠોળ પાકના ઉત્પાદનમાં ઘટાડાની શકયતાએ આવતા વર્ષે પણ કઠોળના ભાવ ઉંચા રહેવાની શકયતા છે.
No comments:
Post a Comment