જમીનની પસંદગી
ધરૂવાડિયા માટે જમીન સારી ફળદ્રુપતાવાળી, સારા નિતારવાળી, પાણી ભરાઈ ના રહે તેવી, પાણીના નિકાલવાળી તેમજ વાડ કે ઝાડનો છાયો આવતો ન હોય તેવી નીંદણમુક્ત જમીન પસંદ કરવી જોઈએ. એક હેક્ટર વિસ્તાર માટે એક ગૂંઠા વિસ્તારમાં ધરૂવાડિયું તૈયાર કરવું.
જમીનની તૈયારી
• ધરૂવાડિયા માટે પસંદ કરેલ જમીનને ઉનાળામાં ઊંડી ખેડ કરીને તપવા દેવી.
• મે મહિના દરમ્યાન પાણી આપી ઓરવણ કરવું. વરાપ થયા બાદ જમીનને આડી-ઊભી બે ત્રણ વખત ખેડવી.
• જમીન ઉપર ઘઉનું ભૂસું કે કચરૂ અથવા નકામું ઘાસ પાથરી 15 સેમી જેટલો થર બનાવવો અને થરને પવનની વિરૂદ્ધ દિશામાં સળગાવવું જેથી જમીન ધીમા તાપે લાંબો સમય સુધે તાપે, આને રાબિંગ કહેવામા આવે છે. રાબિંગ કરવાથી જમીનમાં રહેલ ફૂગ, જીવાણુ, કીટકોના કોશેટા, કૃમિ તેમજ નીંદણના બીજનું નિયંત્રણ કરી શકાય.
• સોઇલ સોલેરાઇઝેશન માટે કાળા રંગના પાતળા પ્લાસ્ટિકનો ઉપયોગ કરવો. વરાપ થયે ખેડ કરીને ક્યારાના માપ પ્રમાણે 10 થી 20 દિવસ સુધી 75 થી 100 માઈક્રોન પ્લાસ્ટિક ઢાંકી રાખવું. પ્લાસ્ટિકની કિનારીને માટી વડે દબાવી દેવી જેથી જમીનમાનો ભેજ તેમજ સૂર્યના તાપથી ઉત્પન્ન થયેલ ગરમી પ્લાસ્ટિકના અંદરના ભાગે સંગ્રહિત થશે આથી જમીનમાં રહેલા ફૂગ, જીવાણુ, કીટકોના કોશેટા, કૃમિ તેમજ નીંદણના બીજનો નાશ થશે.
• ત્યારબાદ જરૂરિયાત મુજબ બે થી ત્રણ આડી ઊભી ખેડ કરવી, ઢેફા ભાંગી સમાર મારી જમીન સમતલ કરવી.
- વારીશ ખોખર ( કૃષિજીવન વોટસએપ ગ્રુપ)
No comments:
Post a Comment